RSS

પહેલા વંદન માતા-પિતાને || માતૃ-પિતૃદેવો ભવ:

18 ફેબ્રુવારી

પહેલા વંદન માતા-પિતાને 

માતૃ-પિતૃદેવો ભવ:

     જગતમાં માતાપિતાનું સ્થાન ગુરુ,અતિથિ કરતાં સર્વોચ્ચ છે.માતાપિતા ખુદ ભગવાન છે. માટે માતા-પિતાને દુ:ખ લાગે તેવું ક્યારે મન,વચન કે કર્મથી ન કરવું.માતાપિતાને પ્રસન્ન રાખશો તો જ ભગવાન પ્રસન્ન રહેશે.

 માતાપિતાની મહત્તા જેટલી ગાઈએ તેટલી ઓછી છે.શાસ્ત્રો અને પુરાણો પણ માતાપિતાનો મહિમા વર્ણવતા અને ગાતા આવ્યા છે.

સંત પુનિત મહારાજે ખૂબ સરસ ઉપદેશ આપતા કહ્યું છે.

“ ભૂલો ભલે બીજું બધું,મા-બાપને ભૂલશો નહી.”

      માતાનો ઉપકાર અગણિત છે.માતા પોતાના બાળકને પાળીપોષીને મોટું કરે છે.માં ગરીબ હોય કે અમીર હોય પણ બાળકની તમામ ઈચ્છાઓ પરી કરવા શું શું નથી કરતી.પોતાના સંતાનને ખવડાવ્યા પછી જ પોતે ખાય છે. આ માતા. માટે તો શાસ્ત્રો અને પુરાણોમાં લખવું પડ્યું – માતૃદેવો ભવ: || માતાને દેવ સામન માન.

    પિતાનું ઋણ ચૂકવવું સહેલું નથી.પિતા પોતાનાં સંતાન માટે અનેક જાતના ભોગ આપે છે.પોતાના સંતાનને સુખી જોવા એ પોતાની જુવાનીમાં સખત પરિશ્રમ કરે છે. પ્રેમ અને પુરુષાર્થનું પ્રતિક એટલે પિતા.પિતા ત્યાગની મૂર્તિ : “મારી સાથે રમત રમતા રમતા,મને જીતાડવા મારી પાસે ખોટું ખોટું હારી જતાં” એજ પિતા પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા કરનાર શુભ ચિંતક. માટે તો શાસ્ત્રો અને પુરાણોમાં લખવું પડ્યું – પિતૃદેવો ભવ: || પિતાને દેવ સામન માન.

      માતા ધરતી છે તો પિતા આકાશ છે.માતાના ખોળાને ખુંદતા વાત્સલ્યની અનુભૂતિ થાય છે.જ્યારે પિતાની શીતળ છત્રછાયામાં ટહેલતા ગર્વનો અનુભવ થાય છે. “બા-બાપા” શબ્દનો મર્મ જ ગહન છે.બાનું ઋણ સંતાન પર અગણિત છે. જ્યારે બાપા નું ઋણ બાના ચોથા ભાગનું છે માટે બા…પા.પણ પિતાની હાજરી સૂરજ જેવી છે.સૂરજ ગરમ જરૂર થાય છે. પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે.

    માતા-પિતાનો પોતાના સંતાન તરફનો અગાધ પ્રેમ નિર્વ્યાજ અને નિ:સ્વાર્થ હોય છે. યશોદાનો કૃષ્ણ માટેનો પ્રેમ,જીજાબાઇનો શિવાજી પ્રત્યેનો પ્રેમ,દશરથ રાજાનો રામ માટેનો પ્રેમ,બાબરનો હુમાયુ પ્રત્યેનો પ્રેમ,સમ્રાટ શ્રેણિકનો કુણિક માટેનો પ્રેમ ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાયેલ છે.

“ પહેલાં ઉમરા વારી પછી ડુંગરા વારી.”

         આપણે દેવદેવીઓની પ્રાર્થના – પૂજા – અર્ચના કરીએ છીએ,તેમને પ્રસન્ન કરવા ધર્મ યુક્ત આચરણ કરીએ છીએ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ.પરંતુ ઘરના જીવતાજાગતા તીર્થોત્તમ સમા માતા-પિતાની અવગણના કરીએ છીએ.તેમની ઉપેક્ષા કરીએ.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ બહુ જ સરસ કહ્યું – મંદિરે સેવા કરવા નહિ આવોતો ચાલશે,ઘરે ઘરડા માતાપિતાની સેવા કરજો.અમને ધોતી નહિ 

આપો તો ચાલશે, ઘરે ઘરડા માતાપિતાને ધોતી પહેરાવજો.અમને ધોતી આપનારા ઘણા છે પણ તમારા માતાપિતા માટે તો તમેજ એક્લાશો.એમનું ઋણ ચૂકવવાનો આ એક જ સમય છે.   

             માતા-પિતાને દેવસમાન ગણીને તેમની આજ્ઞાનું પાલન કરવું, ગણપતિએ માતા પાર્વતી અને પિતા શંકરને દેવસમાન ગણી તેમની ચારેબાજુ પ્રદક્ષિણા કરીને સર્વોત્તમ તીર્થયાત્રાનું ફળ મેળવ્યું છે.

     જગતના કવિઓએ અને સાહિત્યકારોએ માતૃપ્રેમ અને પિતૃપ્રેમનો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. માતાના ચરણ તળે જ સ્વર્ગ છે,તો પિતાના ચરણ તળે આખી પૃથ્વી છે.છોરું કછોરું થાય પણ માવતર કુમાવતર ન થાય. “મા” શબ્દ મમતાથી ભરેલો છે,જયારે “પિતા” શબ્દ પ્રેમથી ભરેલો છે.

 માતા-પિતાના આત્માની તૃપ્તિમાં જ આપણું સુખ અને કલ્યાણ રહેલું છે.

“ ધન ખરચતાં મળશે બધું , માતા પિતા મળશે નહિ.

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.”

પહેલાં વંદન માતાપિતાને.

માતૃદેવો ભવ: || પિતૃદેવો ભવ: ||

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 18, 2023 માં Uncategorized

 

Leave a comment