RSS

Tag Archives: માતૃપ્રેમ

માતૃપ્રેમના કાવ્યો -1

1   મીઠા મધુ ને મીઠા મેહુલા રે. 

મીઠા મધુ ને મીઠા મેહુલા રે

લોલ એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

                                             કવિ  બોટાદકર.

2   કેવી હશે ?

 કોઈ દી સાંભરે નૈ,

મા મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ ?

મા મને કોઈ દી સાંભરે નૈ.

કોક કોક વાર વળી રમ્મત વચાળે

મારા કાનમાં ગણગણ થાય ,

હુતુતુતુની હડિયાપાટીમાં

માનો શબદ સંભળાય,

મા જાણે હીંચકોરતી વઈ ગઈ.

હાલાંના સૂર થોડા વેરતી ગઈ….  

                                                      કવિ ઝવેરચંદ મેઘાણી  

 3  તારો મધમીઠો મહિમા તને કેમ વિસારું મા?

પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના

ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?

દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ખમ્મા!

આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
આવજેકહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા

રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા

                                          કવિ  તુષાર શુક્લ

 

 4    તીર્થોત્તમ

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયા;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

                                                   કવિ બાલમુકુન્દ દવે

 5  ગોદા માતાની ક્યાં ?

છત મળશે ને છત્તર મળશે ,

                                ગોદા માતની કયાં ?

શયન ખંડ ને શચ્યા મળશે,

                                 સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,

                               રાહત  માની કયાં ?

ચાંદ, સૂરજ ને તારા મળશે,

                            આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,

                         પાલવ માની કયાં ?

સૂર,તાલ ને સંગીત મળશે,

                       ટહૂકો માની કયાં ?

હાજર ,હાથ હજાર હોય,પણ

                        છાતી માની કયાં ?

બારે ઊમટે મેહ,હેતની

                       હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી

                      છાયા માની કયાં ?

ભર્યા શિયાળે હૂંફ આપતી

                             માયા માની કયાં ?

                                      કવિ ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

 

6     બાના સમું

આવી જ એક ક્ષણ હોય,

સામે અષાઢઘન હોય,

ફણગો ફૂટે અડકતાં જ

ભીની-ભીની પવન હોય,

બોલાવે ઘેર સાંજે

બાના સમું સ્વજન હોય.

                                   કવિ ઉશનસ્   

7   મીઠલડી તું ,મા !

ચંદનની શીતળતા મા, તારે ખોળલે

ને આંખોમાં ઝરમરની પ્રીત

હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદર્ને

કોયલ શું મીઠું તવ ગીત-

મીઠલડી ,હેતાળી,ગરવી તું મા !

                                   કવિ શિવકુમાર નાકર 

8.  વળાવી બા આવી

રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહીં

દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની

વસેલા  ધંધાર્થે   દૂરસુદૂર  સંતાન નિજનાં

જવાના કાલે તો જનકજનની  ને  ઘરતણાં

સદાનાં  ગંગાસ્વરૂપ  ઘરડાં  ફોઈ   સહુએ

લખાયેલો કર્મે  વિરહ  મિલને  તે રજનીએ

નિહાળ્યો સૌ વચ્ચે  નિયત કરી નિજ જગા

ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા

ગઈ અર્ધી વસ્તી  ઘર થઈ ગયું શાંત સઘળું

બપોરે બે ભાઈ  અવર ઉપડ્યાં લેઈ નિજની

નવોઢા  ભાર્યાઓ  પ્રિયવચન  મંદસ્મિતવતી

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ

ગૃહવ્યાપી  જોયો  વિરહ પડી બેસી પગથિયે

                    કવિ નટવરભાઇ કુબેરદાસ પંડયા  

    9    આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરેપાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.

                                               કવિ ઇંદુલાલ ગાંધી

 

 

 

 

ટૅગ્સ: , ,

માતૃપ્રેમ

મ-૨   માતૃપ્રેમ 

   મા તે મા

   વાત્સલ્યમૂર્તિ જનની

  જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

                         અર્પી દઉં સો જન્મ એવડું મા ! તુજ લેણું !

                         મારી બા

આઈ,જનેતા,બા,જનની,જી,માતા,જનયિત્રી,પ્રસૂ,માતુશ્રી,માઈ,મા, 

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ જનેતા/બા  બનાવવાનું વિચાર્યું હશે ! 

જનેતા – જન્મ આપનારી 

બા – લાડ અને વહાલનો સાગર 

વિનોબા ભાવે લખે છે કે,બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ,જે આપણી પાસે છે.

તે ખુદ આપણી મા છે.

અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ .

  એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો

મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી !

    જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો

તે ‘ મા ’ ,‘ બા ’ છે.

કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ

બોટાદકરે  પોતાની કવિતામાં કહ્યું છે કે,

“ જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

   મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

   એથી મીઠી તે મોરી માત રે……. જનનીની જોડ”

   બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર

કરનારમાતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક

ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો

વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર

માતાને જો ઈશ્વરે પેદા  જ ના કરી હોય તો આપણું શું થાત ? સાચે જ, જગતમાં સૌ

સગાસ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને

પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.

     કવિ પ્રેમાનંદે સાચુ જ કહ્યું છે કે, “ ગોળ વિના મોળો કંસાર,માતા વિના સૂનો

સંસાર.”– એ પંક્તિ સાર્થક કરતી માતા સંતાનની માત્ર જન્મદાત્રી જ નથી, એમનું

જીવની પેઠે જતન  કરનારી જનેતા ને સંસ્કારધાત્રી પણ છે. માતા એ સંતાનના

જીવન અજવાળાનો અવતાર પણછે.માટે એમ પણ કહેવાયું છે કે , “ ઘોડે ચડતો

બાપ મરજો પણ દરણાં દરતી મા ન મરજો.”

      આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળીમાં કવિ હરીન્દ્ર

દવે કહે છે  તેમ અભય છે.સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની

આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે.

મ-૪  ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એનાપોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય  પોતાના   વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી.કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલીમાયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ? ‘મા તે મા’ બીજા બધા વગડાના વા.

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્યઅને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવુંપડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે‘ જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે વનરાજને ગુણસુંદરીએ,સિદ્ધરાજને મિનલદેવીએ,શિવાજીને જીજીબાઇએ, સરદારવલ્લભભાઇને લાડબાએ અને ગાંધીજીને પૂતળીબાઇએ જે સંસ્કારનું સિંચન કર્યું છેતે કોઇથી અજાણ્યું નથી ! 

દુઃખો વેઠીને,પેટે પાટાબાંધીને,પોતાનાં જીવનનું જતનકરીને,રાત-દિવસપુત્રના  હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતાને ઘડપણમાં જો પુત્ર તરફથીપ્રેમને બદલે    તિરસ્કાર,સહારાને બદલે અપમાન. અને મદદને બદલે કુવચનોસાંભળવા મળે તો એ પુત્રને  પુત્ર કહેવો કે પથ્થર ?છતાં માતાના મુખમાંથી સંતાન માટે ‘ખમ્મા મારા દિકરા’ એ વેણ સરી જ પડે.   કવિએ કહ્યું છે કે, “ છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.” ધન્ય છે મા તને

‘ અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું ’- કવિ મલબારી

માતાના ઋણને ચૂકવવા જન્મો ના જન્મો જતાં રહે તો પણ આપણે તેને પૂર્ણ કરી

શકવાના નથી…નથી….ને….નથી.

‘ માતાના ચરણ તળે જ સ્વર્ગ છે ’-  કુરાનમાં કહ્યું છે.

માતૃપ્રેમ પર અનેક નામિ-અનામિ કવિઓ અને લેખકોની ઉક્તિઓ સાહિત્યમાં લખાઇ છે.

(૧) માતાએ માતૃવાત્સલ્યની મીઠી વીરડી છે.

(૨) માતાએ બાળકના જીવનનું સર્વોત્તમ અમી છે.

(૩) માતાએ મમતાની અને ત્યાગની મૂર્તિ ,સહાનૂભુતિની દેવી છે.

(૪) ભૂલો ભલે બીજૂ બધુ માબાપને ભૂલશો નહી.

(૫) એક ત્રજવામાં માને બેસાડો બીજા ત્રાજવામાં આખી દુનીયાને મૂકો છતાં માનું પલ્લુ નમતુ રહે છે.

(૬) ભાઇ મરે ભવ હારી એ,બેની મરે દશ જાય.

(૭) જેના નાનપણમાં મવતર મરે એના ચારે દિશાના વાયરા વાય.

(૮) તુ કિતની અચ્છી હૈ.. તુ કિતની ભોલી હૈ..  ઓ મા..મા તું ભગવાનથી ઉપર છે.

(૯)  મા તારું  મેઝીક સૌથી અલગ છે.

(૧૦) પ્રેમની ગંગા આસું બની આંખમાંથી  ટપકે છે;તો કયારેક ધાવણ બનીને માતાનાં હૃદયમાંથી ટપકે છે.

(૧૧) જનનીના હૈયામાં પોઢતાં પોઢતાં પીધો કસુંબીનો રંગ.

(૧૨) જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે .

(૧૩) હેન્ડ ધેટ રોક ધ ફેટલ રૂરલ ધવલ.

(૧૪) જેકર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.

(૧૫) મધર ઇઝ નેક્ષટ ગોડ (માતાએ બીજો ભગવાન છે. )                

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 29, 2013 માં ગુજરાતી નિબંધ

 

ટૅગ્સ: ,